નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના 100 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવત દેશભરની મહિલાઓ સાથે ‘માતૃત્વ’ વિષય પર સીધો સંવાદ કરશે. આ વિશેષ કાર્યક્રમ 24 જુલાઈએ નવી દિલ્હીમાં યોજાશે. તેનું આયોજન સંઘ પ્રેરિત સંસ્થા વિશ્વ માંગલ્ય સભા દ્વારા કરવામાં આવ્યું છે.
વિશ્વ માંગલ્ય સભાના રાષ્ટ્રીય સંગઠન મંત્રી વૃષાલીબેન જોશીએ જણાવ્યું કે સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાતા આ કાર્યક્રમને ઐતિહાસિક માનવામાં આવે છે. સંઘના અત્યાર સુધીના પાંચેય સરસંઘચાલકોના કાર્યકાળમાં પ્રથમ વખત સરસંઘચાલક મહિલાઓ સાથે ‘માતૃત્વ વિમર્શ’ વિષય પર વિસ્તૃત સંવાદ કરશે.
દિલ્હીમાં યોજાનારા આ કાર્યક્રમમાં ઉત્તર ભારતના 19 પ્રાંતોમાંથી અંદાજે 700થી 800 મહિલાઓ ભાગ લેશે. તેમાં જમ્મુ, બારામુલા, અનંતનાગ, લેહ-લદ્દાખ, પશ્ચિમ બંગાળના દૂરસ્ત વિસ્તારો, અવધ, માલવા, મહાકૌશલ, ગુજરાત, રાજસ્થાન, બિહાર, ઓડિશા, હિમાચલ પ્રદેશ સહિત વિવિધ પ્રદેશોની પ્રતિનિધિ મહિલાઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મોહન ભાગવતનો આ જ વિષય પર હૈદરાબાદમાં પણ એક વ્યાખ્યાન યોજાવાનો છે.
વૃષાલીબેન જોશીએ જણાવ્યું કે વિશ્વ માંગલ્ય સભા છેલ્લા 16 વર્ષથી મહિલા સશક્તિકરણ, પરિવાર અને સામાજિક જાગૃતિના ક્ષેત્રમાં કાર્યરત છે. સંસ્થાનું મૂળ ધ્યેયવાક્ય છે: “માતા કરતાં મોટું કોઈ દૈવ નથી.”
સંઘના શતાબ્દી વર્ષમાં યોજાનારો આ સંવાદ મહિલાઓની ભૂમિકા, પરિવાર, સમાજ અને માતૃત્વ જેવા વિષયો પર વ્યાપક વિચાર-વિમર્શ માટે મહત્વપૂર્ણ અવસર માનવામાં આવી રહ્યો છે.
વિશ્વ માંગલ્ય સભાના આ કાર્યક્રમનો ઉદ્દેશ માતૃત્વ, પરિવાર, સંસ્કાર, મહિલા નેતૃત્વ અને સામાજિક જાગૃતિ જેવા વિષયો પર અર્થપૂર્ણ ચર્ચાને પ્રોત્સાહન આપવાનો છે.