નાગપુર, તા. 31 જુલાઈ, 2026: ભારતીય ટપાલ વિભાગ, નાગપુર દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપક પરમ પૂજનીય ડૉ. કેશવ બલિરામ હેડગેવારજીના ઐતિહાસિક નિવાસસ્થાન "ડૉ. હેડગેવાર નિવાસસ્થાન, નાગપુર" ને સમર્પિત વિશેષ કવર, માહિતી પુસ્તિકા તેમજ કાયમી ચિત્રિત ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતજી એ જણાવ્યું હતું કે, "ડૉ. હેડગેવારજી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એકબીજાથી અવિભાજ્ય છે. સંઘ કાર્ય અને રાષ્ટ્રીય કાર્ય સિવાય તેમના જીવનમાં અન્ય કોઈ વિષયને સ્થાન નહોતું." તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વિજયાદશમીના પાવન દિવસે આ ઐતિહાસિક ઇમારતના ઉપરના માળે આવેલા તેમના રૂમમાં કરવામાં આવી હતી. તે સમયે સંઘનું કાર્ય મર્યાદિત હતું, પરંતુ આજે તે સમગ્ર દેશમાં વ્યાપક રીતે વિસ્તર્યું છે.
ડૉ. ભાગવતજી એ વધુમાં જણાવ્યું કે સંઘના કાર્યનો વ્યાપ સતત વધી રહ્યો છે અને તેના પ્રત્યે દેશ તેમજ વિદેશમાં જિજ્ઞાસા વધતી જઈ રહી છે. આ માત્ર જિજ્ઞાસા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સંઘની માનવ વિકાસ આધારિત કાર્યપદ્ધતિ આજે અનેક દેશો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે. માનવ વિકાસના ક્ષેત્રમાં સંઘનો અભિગમ અસરકારક અને ઉપયોગી સાબિત થઈ રહ્યો છે.
તેમણે જણાવ્યું કે સંઘ માટે આ ગૌરવનો વિષય નહીં, પરંતુ જવાબદારીમાં વધારો થવાનો વિષય છે. સંઘનું સમગ્ર કાર્ય રાષ્ટ્રસેવાને સમર્પિત છે અને સંઘે ક્યારેય પ્રસિદ્ધિ કે ખ્યાતિની અપેક્ષા રાખી નથી. જોકે આજે સમાજ અને વિશ્વ સંઘના કાર્યના દૃશ્યમાન પરિણામો અનુભવી રહ્યું છે, જેના કારણે અનેક સદ્ભાવી લોકો સંઘના કાર્યના વિસ્તરણ માટે સહયોગ આપવા આગળ આવી રહ્યા છે.
ભારતીય ટપાલ વિભાગનો આભાર વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે વિશેષ કવર, માહિતી પુસ્તિકા અને કાયમી ચિત્રિત ટપાલ ટિકિટના પ્રકાશન દ્વારા વિભાગે માનવ વિકાસના આ કાર્ય પ્રત્યે પોતાની સદ્ભાવના વ્યક્ત કરી છે. આ પહેલથી સંઘના કાર્ય અને તેના ઉદ્દેશ્યો વિશેની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચશે તેમજ સમાજમાં આ કાર્યને નવી ગતિ મળશે.
ડૉ. ભાગવતજી એ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ કાર્યના માધ્યમથી રાષ્ટ્રની અપેક્ષાઓને અનુરૂપ ચારિત્ર્યવાન, સક્ષમ અને સેવાભાવી નાગરિકોના નિર્માણને વધુ વેગ મળશે અને સમાજનો સહયોગ આ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
કાર્યક્રમમાં સહ-પ્રાંત સંઘચાલક શ્રીધર ગાડગે, મહાનગર સંઘચાલક રાજેશ લોયા, ડૉ. સુધીર જાખરે (નાગપુર પ્રદેશના ટપાલ સેવાઓના નિયામક), રામચંદ્ર જયભાયે (ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, મહારાષ્ટ્ર અને ગોવા સર્કલ), ટપાલ વિભાગ નાગપુરના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ડો. હેડગેવાર સ્મારક સમિતિ, નાગપુરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.