વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   
કોઈપણ સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા લાવી શકાય છે, આંદોલનથી વિભાજન ન થવું જોઈએ - ડૉ. મોહન ભાગવત જી
Education

કોઈપણ સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા લાવી શકાય છે, આંદોલનથી વિભાજન ન થવું જોઈએ - ડૉ. મોહન ભાગવત જી

મુંબઈ, 6 ઑગસ્ટ 2026 : ‘ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટ નેશન્સ’ (I.I.M.U.N.)ના 15મા સ્થાપના દિવસના અવસરે આયોજિત વાર્ષિક કૉન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતજીએ જણાવ્યું હતું કે કોઈપણ સમસ્યાનું સમાધાન સંવાદના માધ્યમથી શક્ય છે. સમસ્યાનું નિવારણ ન થાય ત્યારે બંધારણીય રીતે આંદોલન કરવું યોગ્ય છે. આંદોલન લોકશાહી દ્વારા આપવામાં આવેલું એક સાધન હોવા છતાં તેનો ઉપયોગ પોતાની વિવેકબુદ્ધિથી કરવો જોઈએ, જેથી સમાજમાં વિભાજન ન સર્જાય.

મુંબઈ સ્થિત નીતા મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે આયોજિત આ સમારોહમાં દેશનાં 100થી વધુ શહેરોમાંથી 15થી 24 વર્ષની વયજૂથના 2,000થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવિ નેતૃત્વ તૈયાર કરવું, સંવાદ કૌશલ્ય વિકસાવવું તથા રાષ્ટ્રીય અને વૈશ્વિક પ્રશ્નો અંગે યુવાનોમાં સકારાત્મક દૃષ્ટિકોણનું નિર્માણ કરવું એ કૉન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ હતો. I.I.M.U.N.ના સ્થાપક ઋષભ શાહે મોહન ભાગવતીજી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓના મનમાં રહેલા વિવિધ પ્રશ્નો સરસંઘચાલકજી સમક્ષ રજૂ કર્યા હતા. સંવાદ સત્ર દરમિયાન ડૉ. ભાગવતીજીએ આંદોલન સંસ્કૃતિ, શિક્ષણ વ્યવસ્થા, યુવાનો પર સોશિયલ મીડિયાની અસર, LGBTQ વિષય, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ સંરક્ષણ તથા વિકસિત ભારત માટે જરૂરી ભાવિ નેતૃત્વ જેવા વિવિધ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

સરસંઘચાલકજીએ જણાવ્યું હતું કે આંદોલન સંવાદનું એક માધ્યમ હોવા છતાં તેના કારણે સમાજમાં વિભાજન ઊભું થવું જોઈએ નહીં. ભારતીય પરંપરાની શાસ્ત્રાર્થ સંસ્કૃતિનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે જૅન-ઝીના પ્રશ્નોને માત્ર વિરોધના સ્વરૂપે ન જોતા તેમની સમસ્યાઓને સમજીને તેનું નિવારણ કરવું એ સમાજ અને વ્યવસ્થાની જવાબદારી છે. જૅન-ઝી આંદોલન કરી રહી છે, તેનો અર્થ એ નથી કે તે રાષ્ટ્રવિરોધી છે. નવી પેઢી આપણા સમાજનો જ એક હિસ્સો છે અને તેની સાથે આત્મીયતાપૂર્વક સંવાદ સાધવો આવશ્યક છે; તેનાથી જ પરસ્પર સામંજસ્ય વધે છે. આજની જૅન-ઝી અને જૅન-આલ્ફા પેઢી વધુ પ્રામાણિક છે.

શિક્ષણના વિષય પર તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ જીવનની અનિવાર્ય આવશ્યકતા છે અને તે સૌ માટે સુલભ હોવું જોઈએ. શિક્ષણની સંપૂર્ણ જવાબદારી માત્ર સરકારની નથી, પરંતુ તેની જવાબદારી સમાજે પણ ઉઠાવવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે સરકારની આર્થિક સહાય વિના પણ વિદ્યાભારતી સંસ્થા આજે લગભગ 23 હજાર શાળાઓ ચલાવી રહી છે. શિક્ષણ વ્યવસ્થામાં આંદોલનો વિના પણ સકારાત્મક સુધારા શક્ય છે.

સોશિયલ મીડિયા પર જવાબદારીપૂર્વક સકારાત્મક અને સમાજહિતની માહિતી જ શેર કરવાનો તેમણે આહ્વાન કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે માત્ર વિશ્વસનીય માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ અને જૅન-ઝીમાં સાચા-ખોટાની ઓળખ કરવાની વિવેકબુદ્ધિ વિકસે તે માટે માર્ગદર્શન આપવું જરૂરી છે. જૅન-ઝીએ હિંસક નહીં, પરંતુ સકારાત્મક આદર્શોનું અનુસરણ કરવું જોઈએ.

મોહન ભાગવતીજીએ જણાવ્યું હતું કે ભારત સંવાદ દ્વારા સદ્‌ભાવના નિર્માણ કરવામાં વિશ્વાસ રાખે છે. સંવાદ અને શાંતિપૂર્ણ પ્રયાસો દ્વારા જ સ્થાયી સમાધાન પ્રાપ્ત થાય છે. સંઘર્ષના સમયે નાગરિકોએ પોતાની સરકારની સાથે ઊભા રહેવું જોઈએ. રાષ્ટ્રીય સુરક્ષાના પ્રશ્નો પર સરકારના નિર્ણયોનું સમર્થન કરવું દરેકનું કર્તવ્ય છે. માનવતા સર્વોપરી છે.આ સંદેશ અત્યંત મહત્વપૂર્ણ છે. અન્યને જીતીને અથવા તેનો અંત લાવીને સમાજ આગળ વધતો નથી. સમાજની પ્રગતિ સુસંવાદ, સમન્વય અને એકબીજાને સમજવાની પ્રક્રિયા દ્વારા થાય છે; આ માટે સંવાદ જળવાઈ રહેવું આવશ્યક છે.

તેમણે જણાવ્યું હતું કે LGBTQ સમુદાયના લોકો પણ આપણા સમાજનો અભિન્ન હિસ્સો છે અને સમાજે તેમને સન્માનપૂર્વક સ્થાન આપવું જોઈએ. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં લગ્નને માત્ર બે વ્યક્તિઓના સાથે રહેવાની વ્યવસ્થા માનવામાં આવતી નથી. લગ્નનો ઉદ્દેશ ઉત્તમ સંતતિનું નિર્માણ તેમજ સુદૃઢ અને સુસંસ્કારિત સમાજનું નિર્માણ કરવાનો પણ છે. લગ્ન સંસ્થાના મૂળ સ્વરૂપમાં પરિવર્તન થવાથી તેના કેટલાક સામાજિક દુષ્પરિણામો સામે આવી શકે છે, તેથી સૌપ્રથમ સમાજને આ વિષય અંગે જાગૃત કરવો જરૂરી છે. કાયદા સમાજ નક્કી કરતા નથી, પરંતુ સમાજની જરૂરિયાતો અને મૂલ્યો અનુસાર કાયદા નક્કી થાય છે. આ દૃષ્ટિકોણથી સમલૈંગિક લગ્નને પરંપરાગત અર્થમાં લગ્ન ન માનતા ‘કમ્પેનિયનશિપ’ (સહચર્ય) તરીકે જોવું જોઈએ.

રાષ્ટ્રનિર્માણમાં મહિલાઓને સમાન ભાગીદાર બનાવવા અને નેતૃત્વ માટે આગળ લાવવાની જરૂરિયાત અંગે તેમણે જણાવ્યું હતું કે અપૂરતી માહિતીના કારણે સંઘ વિશે આવી ધારણા પ્રવર્તે છે. સંઘની વિવિધ સંસ્થાઓમાં મહિલાઓને સમાનતાના ધોરણે જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે અને તેઓ અસરકારક રીતે કાર્ય પણ કરી રહી છે. રાષ્ટ્ર સેવિકા સમિતિની સ્થાપના સંઘની સ્થાપનાના સમયગાળામાં જ થઈ હતી. અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં મહિલાઓની સહભાગિતા રહે છે અને નિર્ણય પ્રક્રિયામાં પણ તેમની ભૂમિકા મહત્વપૂર્ણ છે. સંઘની વિવિધ સંસ્થાઓમાં પણ મહિલાઓની નોંધપાત્ર સહભાગિતા રહે છે.

રોજગાર અંગે સમાજની માનસિકતા બદલવાની જરૂરિયાત પર તેમણે જણાવ્યું હતું કે રોજગારનો અર્થ માત્ર નોકરી નથી. ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય પણ રોજગારના મહત્વપૂર્ણ ક્ષેત્રો છે. બેરોજગારી ઘટાડવા માટે તમામ પ્રકારનાં કામને સમાન સન્માન મળવું જોઈએ. સમાજમાં શ્રમપ્રતિષ્ઠાની ભાવના દૃઢ થવી જોઈએ. શ્રમપ્રતિષ્ઠાને મહત્વ આપવું જોઈએ તથા શિક્ષણ વ્યવસ્થામાં પણ તે અનુસાર પરિવર્તન કરવું જરૂરી છે.

આરક્ષણના વિષય પર તેમણે જણાવ્યું હતું કે સામાજિક અસમાનતાના કારણે આરક્ષણની આવશ્યકતા ઊભી થઈ હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકરે આ વિષય પર સ્પષ્ટ ભૂમિકા રજૂ કરી છે. આરક્ષણના પ્રશ્ન પર રાજનીતિ ન થવી જોઈએ અને સામાજિક ન્યાય માટેના ઉપાયો પ્રામાણિકતા તથા અસરકારકતા સાથે અમલમાં મૂકવામાં આવે તો ભવિષ્યમાં આરક્ષણની આવશ્યકતા ઘટી શકે છે.

સંયુક્ત રાષ્ટ્રના શાશ્વત વિકાસ લક્ષ્યોની પૂર્તિમાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. પર્યાવરણને અનુરૂપ વિકાસ શક્ય છે અને પર્યાવરણ સંવર્ધનની શરૂઆત ઘરથી તથા દૈનિક જીવનથી જ થવી જોઈએ.

વર્ષ 2047 સુધી વિકસિત ભારતના નિર્માણ માટે આવતીકાલના દરેક નેતામાં જરૂરી ગુણો અંગે તેમણે જણાવ્યું હતું કે સાચું નેતૃત્વ પોતાની જાતથી શરૂ થાય છે. જે વ્યક્તિ પોતાને યોગ્ય દિશા આપી શકે છે, તે જ અન્ય લોકોને માર્ગદર્શન આપી શકે છે. નેતૃત્વનું વાસ્તવિક કાર્ય માત્ર અનુયાયીઓ તૈયાર કરવાનું નથી, પરંતુ નવા નેતાઓનું ઘડતર કરવાનું છે.

Leave a Comment