વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   
અખંડ ભારતની કલ્પના રાજકીય નહીં, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતાનું પ્રતીક છે: ડૉ. જયંતિભાઈ ભાડેસિયા
Education

અખંડ ભારતની કલ્પના રાજકીય નહીં, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતાનું પ્રતીક છે: ડૉ. જયંતિભાઈ ભાડેસિયા

વિભાજનની વેદનામાંથી બોધપાઠ લઈ અખંડ ભારતના સંકલ્પને મજબૂત બનાવવો જરૂરી

અંજાર, કચ્છ: સંસ્કાર સાધના ટ્રસ્ટ, અંજાર–કચ્છ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ, અંજાર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલકજી ડૉ. જયંતિભાઈ ભાડેસિયા તેમજ મુખ્ય અતિથિ તરીકે અંજાર ડિવિઝનના ડી.વાય.એસ.પી. શ્રી મુકેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. જયંતિભાઈ ભાડેસિયાએ પોતાના ઉદબોધનમાં ભારતના વિભાજન, બંગ-ભંગ આંદોલન તથા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ૧૯૪૭નું ભારત વિભાજન માનવ ઇતિહાસની સૌથી દર્દનાક ઘટનાઓમાંથી એક હતું. વિભાજન દરમિયાન લાખો હિન્દુ પરિવારોને પોતાના વતન, ઘર અને પરિવારથી વિખૂટા પડીને વિસ્થાપિત થવું પડ્યું હતું. અસંખ્ય નિર્દોષ લોકોની હત્યા થઈ હતી તથા મહિલાઓ સામે બળાત્કાર સહિતની અમાનવીય હિંસાની કરુણ ઘટનાઓ પણ બની હતી. અનેક પરિવારો વિખેરાઈ ગયા અને અસંખ્ય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. વિભાજનની આ પીડાદાયક ઘટનાઓમાંથી બોધપાઠ લઈને રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક અખંડિતતાને વધુ મજબૂત બનાવવી જરૂરી છે.

વિભાજનની પૃષ્ઠભૂમિ અને જવાબદાર નીતિઓ અંગે વક્તાએ જણાવ્યું હતું કે તે સમયની મુસ્લિમ લીગની અલગ રાષ્ટ્રની માંગ, મોહમ્મદ અલી જીણા સહિતના નેતાઓની રાજકીય ભૂમિકા તથા બ્રિટિશ શાસનની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિએ વિભાજનની પરિસ્થિતિને વેગ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વિભાજનની પ્રક્રિયામાં સિરિલ રેડક્લિફ દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ નક્કી કરવામાં આવી હતી. ટૂંકા સમયગાળામાં નક્કી કરાયેલી આ સરહદે અનેક આધ્યાત્મિક અને ઐતિહાસિક સ્થળો તથા પ્રદેશોને વિભાજિત કર્યા અને લાખો પરિવારોને સ્થળાંતર માટે મજબૂર કર્યા, જેના પરિણામે વ્યાપક માનવીય પીડા સર્જાઈ હતી.

વક્તાએ ૧૯૦૫ના બંગાળ વિભાજન અને બંગ-ભંગ વિરોધી આંદોલનનો પણ ઉલ્લેખ કર્યો હતો. લોર્ડ કર્ઝન દ્વારા કરવામાં આવેલા બંગાળ વિભાજન સામે દેશભરમાં વ્યાપક વિરોધ થયો હતો. આ આંદોલને સ્વદેશી, વિદેશી વસ્તુઓના બહિષ્કાર તથા ‘વંદે માતરમ્’ જેવા રાષ્ટ્રભાવનાના પ્રતીકોને જનઆંદોલનનું સ્વરૂપ આપ્યું હતું. જનતાના પ્રચંડ વિરોધ બાદ ૧૯૧૧માં બંગાળનું વિભાજન રદ કરવામાં આવ્યું હતું.

ડૉ. જયંતિભાઈ ભાડેસિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અખંડ ભારતનો વિચાર માત્ર રાજકીય સીમાઓ પૂરતો સીમિત નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક એકતાનું પ્રતીક છે. તેમણે રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક અખંડિતતા અને રાષ્ટ્રભાવનાને વધુ પ્રબળ બનાવવાની હાકલ કરી હતી.

મુખ્ય અતિથિ શ્રી મુકેશભાઈ ચૌધરી, ડી.વાય.એસ.પી., અંજાર ડિવિઝનએ પોતાના સંબોધનમાં ઉપસ્થિત નાગરિકોને અપીલ કરી હતી કે રાષ્ટ્રીય એકતા અને અખંડ ભારતના સંકલ્પ સામે વિઘ્નરૂપ પ્રવૃત્તિઓ અંગે કોઈપણ પ્રકારની માહિતી હોય તો નાગરિકોએ નિર્ભય બનીને પોલીસને જાણ કરવી જોઈએ. સમાજની શાંતિ, સુરક્ષા અને રાષ્ટ્રીય એકતા જાળવવામાં નાગરિકોની સજાગ ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ નાથાણીએ સંસ્કાર સાધના ટ્રસ્ટની પ્રવૃત્તિઓ અને કાર્યપરિચય રજૂ કર્યો હતો. કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી હિરેનભાઈ દવેએ કર્યું હતું.

સંસ્કાર સાધના ટ્રસ્ટના પ્રમુખ શ્રી અશોકભાઈ ભીંડે દ્વારા ઉપસ્થિત મહેમાનો, નાગરિકો તથા કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સૌએ એકસાથે સંપૂર્ણ ‘વંદે માતરમ્’નું સામૂહિક ગાન કર્યું હતું. રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત વાતાવરણમાં કાર્યક્રમનું સમાપન થયું હતું.

Leave a Comment