કર્ણાવતીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત કાર્યાલય ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી; ધ્વજવંદન અને ભારતમાતા પૂજન પ્રસંગે સ્વધર્મ, સ્વદેશી, સ્વરાજ્ય અને વૈચારિક સ્વતંત્રતાનો સંદેશ
કર્ણાવતી સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત કાર્યાલય ‘ડૉ. હેડગવાર ભવન’ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ધ્વજવંદન તથા ભારતમાતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા પોડકાસ્ટર અને એન્ટ્રપ્રેન્યોર જયભાઈ થડેશ્વરના હસ્તે ધ્વજવંદન અને ભારતમાતા પૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો તથા નગરજનોએ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને વંદન કર્યું હતું.
કાર્યક્રમના મુખ્ય વક્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંતના પ્રાંત બૌદ્ધિક પ્રમુખ શ્રી જશુભાઈ ચૌધરીએ સ્વાતંત્ર્ય દિવસના ઐતિહાસિક અને રાષ્ટ્રીય સંદર્ભને ઉજાગર કરતાં જણાવ્યું હતું કે, આજે જે અખંડ ભારત આપણી સામે છે તેની અખંડિતતા માટે અવિસ્મરણીય યોગદાન આપનાર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મનાં 150 વર્ષ પૂર્ણ થવાના આ અવસરે તેમનું પુણ્યસ્મરણ અને વંદન કરવું એ ગૌરવની બાબત છે.
તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 1875માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ‘વંદેમાતરમ્’ની રચના કરી હતી. ‘વંદેમાતરમ્’માં ભારતને માત્ર ભૂખંડ તરીકે નહીં, પરંતુ એક જીવંત રાષ્ટ્રશક્તિ તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ‘વંદેમાતરમ્’ ક્રાંતિવીરો માટે મહામંત્ર બની રહ્યું હતું. ‘વંદેમાતરમ્’ને 150 વર્ષ પૂર્ણ થવાના આ ઐતિહાસિક અવસરે સમગ્ર રાષ્ટ્રમાં તેના પ્રત્યે રહેલા ગૌરવ અને ભાવનાનું સ્મરણ કરવું સ્વાભાવિક છે.
શ્રી જશુભાઈ ચૌધરીએ દેશની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરનાર જાણીતા તેમજ અનામી ક્રાંતિવીરો અને બલિદાનીઓનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, સ્વતંત્રતા માત્ર વિદેશી શાસનમાંથી મુક્તિ પૂરતી સીમિત ન રહે, પરંતુ તેના મૂળમાં સ્વધર્મ, સ્વદેશી અને સ્વરાજ્યનો વિચાર પણ હોવો જોઈએ. સ્વતંત્રતાના આ મૂલ્યોને રાષ્ટ્રજીવનમાં જીવંત રાખવાની જવાબદારી આજની પેઢીની છે.
કાર્યક્રમના અધ્યક્ષ અને જાણીતા પોડકાસ્ટર તથા એન્ટ્રપ્રેન્યોર જયભાઈ થડેશ્વરે જણાવ્યું હતું કે, દેશના ક્રાંતિવીરોના ત્યાગ, સંઘર્ષ અને બલિદાનના પરિણામે આપણને સ્વાધીનતા પ્રાપ્ત થઈ છે. તેમણે જીવનની દરેક પ્રકારની સ્વતંત્રતા માટે સંઘર્ષ કર્યો હતો. આજે આપણી સામે પડકાર એ છે કે આપણે આઝાદી સાથે મળેલી વૈચારિક સ્વતંત્રતાને પણ જાળવી રાખીએ.
જયભાઈ થડેશ્વરે આજના ડિજિટલ યુગના સંદર્ભમાં વૈચારિક સ્વતંત્રતાની જરૂરિયાત પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, “સાચો દેશભક્ત કેવો હોય તે જાણવું હોય તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકને મળી લો.”
તેમણે સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, Algorithmsના આધારે નહીં, પરંતુ પોતાની રીતે વિચારવું એ જ સાચી સ્વતંત્રતા છે. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર વ્યક્તિના અભિપ્રાયને પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દ્વેષ, ક્રોધ, હિંસા, અશ્લીલતા તથા રાષ્ટ્રવિરોધી વિચારસરણી ધરાવતું કન્ટેન્ટ સતત સામે ધકેલીને સમાજની સામાજિક અને સાંસ્કૃતિક ઓળખને પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં યુવાનો અને નાગરિકોએ વિવેકપૂર્ણ વિચારશક્તિ તથા સ્વતંત્ર અભિપ્રાય જાળવી રાખવો જરૂરી છે.
કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કર્ણાવતી મહાનગરના માન. સંઘચાલક શ્રી મહેશભાઈ પરીખ, ગુજરાત પ્રાંતના પ્રચાર પ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ, કર્ણાવતી મહાનગરના કાર્યવાહ શ્રી હાર્દિકભાઈ પરીખ સહિતના પદાધિકારીઓ, સ્વયંસેવકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ધ્વજવંદન અને ભારતમાતા પૂજન સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સંગ્રામના બલિદાનીઓનું સ્મરણ કરી રાષ્ટ્રપ્રતિ નિષ્ઠા, સ્વાભિમાન અને વૈચારિક સ્વતંત્રતાના સંકલ્પ સાથે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.