ગુજરાતના પ્રવાસ દરમિયાન સ્વામી વિવેકાનંદજીને ધર્મ સંસદમાં ભાગ લેવા પ્રેરણા મળી!
સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ માત્ર સ્મરણદિન નથી, પરંતુ આત્મવિશ્વાસ, રાષ્ટ્રપ્રેમ અને માનવતાના પુનઃસંકલ્પનો દિવસ છે
૧૨ જાન્યુઆરી ૧૮૬૩ના રોજ જન્મેલા સ્વામી વિવેકાનંદ આજે પણ દરેક ભારતીયના મન, મગજ અને આત્માને ઝંઝોડે છે. તેમનો ગુજરાત અને સૌરાષ્ટ્રનો પ્રવાસ એ માત્ર ભૌગોલિક યાત્રા નહોતી, પરંતુ સમાજચેતનાનો મહાયજ્ઞ હતો. સ્વામી વિવેકાનંદનો ગુજરાત સાથે ઊંડો અને ઐતિહાસિક સંબંધ રહ્યો છે. તેમણે તેમના ‘પરિવ્રાજક’ (ભ્રમણ) કાળ દરમિયાન, વર્ષ 1891 અને 1892માં ગુજરાતના વિવિધ શહેરોમાં લાંબો સમય વિતાવ્યો હતો. આ પ્રવાસ દરમિયાન જ તેમને તેમના ભાવિ મિશન (ધર્મ સંસદમાં ભાગ લેવો અને ભારતનું ઉત્થાન) માટે પ્રેરણા મળી હતી. એવું માનવામાં આવે છે કે શિકાગોમાં યોજાનારી ‘વિશ્વ ધર્મ પરિષદ’ વિશે તેમણે પ્રથમવાર ગુજરાત પ્રવાસ દરમિયાન જ સાંભળ્યું હતું. દ્વારકાના શારદા મઠમાં ધ્યાન દરમિયાન તેમને ભારતના ઉજ્જવળ ભવિષ્યનો સાક્ષાત્કાર થયો હતો. સ્વામીજીએ ગુજરાતના ઘણા મહત્વના શહેરો અને ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અનેક સાધુ સંતોને મળ્યા હતા.
પોરબંદરમાં તેઓ શંકર પાંડુરંગ પંડિતને ત્યાં રોકાયા હતા. આ દરમિયાન જ તેમણે કહ્યું હતું કે, "મારે એક મિશન (કાર્ય) પાર પાડવાનું છે". ગિરનાર પર્વત અને સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. વડોદરામાં તેઓ એપ્રિલ 1892માં વડોદરામાં ‘દિલારામ ખાતે વડોદરાના દીવાન મણિભાઈ જસભાઈના મહેમાન તરીકે રોકાયા હતા. આજે આ સ્થળે ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ’ કાર્યરત છે. આ ઉપરાંત અમદાવાદ, ભાવનગર, લીમડી, ભુજ, નારાયણ સરોવર, પાલિતાણા, અને નડીઆદ જેવા અનેક સ્થળોની મુલાકાત લીધી હતી.
માત્ર ૩૯ વર્ષની ટૂંકી આયુમાં તેમણે જે વિચારસંપત્તિ વિશ્વને આપી, તે ભારતની આધ્યાત્મિક ઓળખનો શાશ્વત ધ્વજ બની ગઈ. સ્વામી વિવેકાનંદ ભારતના ભૂતકાળની ગૌરવગાથા અને ભવિષ્યની અડગ આશા બંને છે. શ્રી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ માત્ર સ્મરણદિન નથી, પરંતુ આત્મવિશ્વાસ, રાષ્ટ્રપ્રેમ અને માનવતાના પુનઃસંકલ્પનો દિવસ છે.
સ્વામી વિવેકાનંદે પોતાના ભારતભ્રમણ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક પ્રદેશોમાં પગપાળા અને નૌકામાર્ગે પ્રવાસ કર્યો હતો. દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, અમદાવાદ જેવા પ્રદેશોમાં તેમણે સમાજના જીવંત દર્શન કર્યા. આ પ્રદેશોની જનસામાન્યની સાદગી, શ્રદ્ધા અને સંસ્કૃતિએ સ્વામીજીના મન પર ઊંડો પ્રભાવ પાડ્યો. આ પ્રવાસ દરમિયાન તેમણે અહીં અનુભવ્યું કે ભારતની સાચી શક્તિ તેના ગામડાં, અને આધ્યાત્મિક ધરોહરમાં વસે છે.
સંકલન: અલ્પેશ રાણપરિયા