શ્રીરામ જન્મભૂમિ પર નિર્મિત ભવ્ય મંદિર પેઢીઓના સંઘર્ષ તેમજ કરોડો રામભક્તોના સમર્પણ, ત્યાગ અને બલિદાનના પરિણામે સમગ્ર હિંદુ સમાજ માટે શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનું પવિત્ર કેન્દ્ર બન્યું છે.
અયોધ્યાના શ્રી રામલલ્લા મંદિરમાં સ્થાપિત દાનપાત્રોમાં એકત્રિત થયેલી રકમની ચોરીની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ સમગ્ર સમાજ અને રામભક્તોની શ્રદ્ધા તથા આસ્થાને ગંભીર આઘાત પહોંચાડ્યો છે. આ ઘટનાથી આપણે સૌ અત્યંત વ્યથિત છીએ.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આગ્રહપૂર્વકની વિનંતિના અનુસંધાને ઉત્તર પ્રદેશ સરકારે વિશેષ તપાસ દળ (એસઆઈટી)ની રચના કરી છે અને તેના અહેવાલના આધારે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જે કોઈ પણ દોષિત ઠરશે, તેને કડકમાં કડક સજા થાય તે સુનિશ્ચિત કરવું આવશ્યક છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિત સમગ્ર હિંદુ સમાજની ટ્રસ્ટ પાસેથી સ્વાભાવિક અપેક્ષા છે કે આ અત્યંત નિંદનીય ઘટનાને અસાધારણ ઘટના માનીને તેની ગંભીરતા સમજી મંદિરની વ્યવસ્થા અને સંચાલનમાં રહેલી તમામ ખામીઓને દૂર કરવા માટે અસરકારક પગલાં લેવામાં આવે, જેથી અયોધ્યાના શ્રીરામ મંદિર પ્રત્યે કરોડો રામભક્તોની આસ્થા અને શ્રદ્ધા અખંડિત તથા અડગ બની રહે. વર્તમાનમાં સર્જાયેલી ગેરસમજ અને અનિશ્ચિતતાની સ્થિતિનો અંત આવવો જોઈએ. આ દૃષ્ટિએ અમારી અપેક્ષા છે કે મંદિરનું સંચાલન અને રાજ્ય સરકાર દ્વારા રચાયેલ વિશેષ તપાસ દળ તમામ જરૂરી પહેલ કરશે. અમને વિશ્વાસ છે કે યોગ્ય નાણાકીય વ્યવસ્થાપન, સુચારુ સંચાલન, નિષ્કલંક અને પારદર્શક વ્યવસ્થાઓ તેમજ શુદ્ધતા, પવિત્રતા અને ધાર્મિકતાથી ઓતપ્રોત વાતાવરણ દ્વારા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ હિંદુ સમાજની આસ્થા અને વિશ્વાસને વધુ મજબૂત બનાવશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમગ્ર હિંદુ સમાજને પણ આહ્વાન કરે છે કે આ કઠિન સમયમાં ધીરજ અને સંયમ જાળવે તેમજ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો લાભ ઉઠાવી હિંદુ વિરોધી અને રાષ્ટ્ર વિરોધી તત્ત્વો દ્વારા હિંદુ ધર્મ અને હિંદુ સમાજને બદનામ કરવાના કાવતરાઓને નિષ્ફળ બનાવે.