આજે, અષાઢ સુદ દશમ (તા. ૫ જુલાઈ)ના પાવન દિવસે વિશ્વના અગ્રણી મહિલા સંગઠન 'રાષ્ટ્ર સેવિકા સમિતિ'ના સ્થાપિકા, મહાન દેશભક્ત અને વંદનીય મૌસીજી શ્રીમતી લક્ષ્મીબાઈ કેલકરની જન્મજયંતિ શ્રદ્ધા અને કૃતજ્ઞતાભાવ સાથે ઉજવાઈ રહી છે.
શ્રીમતી લક્ષ્મીબાઈ કેલકરનો જન્મ તા. ૫ જુલાઈ, ૧૯૦૫ના રોજ થયો હતો. તેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવા, ભારતીય સંસ્કૃતિના સંવર્ધન, મહિલા સશક્તિકરણ અને સંસ્કાર નિર્માણ માટે સમર્પિત કર્યું હતું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક પૂજનીય ડૉ. કેશવરાવ બલીરામ હેડગેવારજીની પ્રેરણાથી વર્ષ ૧૯૩૬માં તેમણે 'રાષ્ટ્ર સેવિકા સમિતિ'ની સ્થાપના કરી હતી. દેશવ્યાપી પ્રવાસો દ્વારા તેમણે સંગઠનને મજબૂત બનાવી વિશ્વના સૌથી મોટા મહિલા સંગઠનોમાં સ્થાન અપાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
ભારતના વિભાજન દરમિયાન તેમણે અસંખ્ય હિંદુ પરિવારોની સુરક્ષા, સેવા અને પુનર્વસન માટે અવિસ્મરણીય કાર્ય કર્યું હતું. સ્વદેશી, સંસ્કાર, માતૃત્વ, કર્તૃત્વ અને વિરત્વના આદર્શોને જીવનમાં આત્મસાત કરીને તેમણે હજારો મહિલાઓને રાષ્ટ્રકાર્ય માટે પ્રેરિત કરી હતી.
'જીજામાતાનું માતૃત્વ, દેવી અહલ્યાબાઈનું કર્તૃત્વ અને રાણી લક્ષ્મીબાઈનું વિરત્વ'—આદર્શ નારીજીવનનો તેમનો સંદેશ આજે પણ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે.
વંદનીય મૌસીજી શ્રીમતી લક્ષ્મીબાઈ કેલકરની જન્મજયંતિ નિમિત્તે તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ, કોટિ-કોટિ વંદન તથા વિનમ્ર અભિવાદન અર્પણ કરવામાં આવે છે.