વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   
નવી પેઢીમાં જીવનના પડકારોનો સામનો કરી શકે તેવું મન વિકસાવવું જરૂરી – ડૉ. મોહન ભાગવતજી
Education

નવી પેઢીમાં જીવનના પડકારોનો સામનો કરી શકે તેવું મન વિકસાવવું જરૂરી – ડૉ. મોહન ભાગવતજી

નાગપુર, તા. ૫ જુલાઈ, ૨૦૨૬
નાગપુર ખાતે સમર્પણ વેલનેસ સેન્ટરના લોકાર્પણ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતજીએ માનસિક સ્વાસ્થ્ય, ભારતીય મનોવિજ્ઞાન અને પરિવારની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું.

તેમણે જણાવ્યું કે નવી પેઢીમાં વધી રહેલા એકલાપણું અને માનસિક અસ્થિરતાને અટકાવવા માટે પરિવારમાં સંવાદ વધારવો અત્યંત જરૂરી છે. આજે બાળક રડે ત્યારે તેને સમજાવવાના બદલે તેના હાથમાં મોબાઇલ આપી દેવામાં આવે છે, જ્યારે તેની સાથે હૂંફભર્યો અને અર્થપૂર્ણ સંવાદ થવો જોઈએ.

તેમણે કહ્યું કે અગાઉ ગ્રંથોના વાંચન અને પરિવારમાં વાર્તાઓ કહેવા-સાંભળવાની પરંપરાથી બાળકોમાં માનસિક મજબૂતાઈ વિકસતી હતી. આજે ધોરણ ૧૨માં નિષ્ફળતા કે ઘરમાં ઠપકો મળવા જેવી નાની ઘટનાઓમાં પણ કેટલાક યુવાનો આત્મહત્યા જેવા ગંભીર પગલાં ભરી લે છે. પહેલાં દાદી-નાની બાળકોને સંસ્કારસભર વાર્તાઓ સંભળાવતાં હતાં, પરંતુ હવે સંયુક્ત પરિવારો ઘટી રહ્યા છે. માતા-પિતા પણ બાળકોને ટીવી અથવા "ગૂગલ બાબા"ના ભરોસે છોડી દે છે. બાળપણથી જ મોબાઇલની આદત પાડવાને બદલે બાળકોમાં જીવનના પડકારોનો સામનો કરવાની માનસિક શક્તિ વિકસાવવી જરૂરી છે. આ માટે પરિવાર અને સમાજે મળીને કાર્ય કરવું પડશે. બાળકો અને યુવાનોમાં એકલાપણું ન આવે તથા સંવાદ વધે, તે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે.

ડૉ. ભાગવતજીએ વધુમાં જણાવ્યું કે સ્વસ્થ જીવન માટે માત્ર શરીરનું સ્વસ્થ હોવું પૂરતું નથી, પરંતુ મનનું સ્વસ્થ હોવું પણ એટલું જ આવશ્યક છે. શરીર અસ્વસ્થ હોય તો તેની અસર મન પર પણ પડે છે. અસ્વસ્થ વ્યક્તિ વધુ ઝડપથી ક્રોધિત થાય છે. મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ બને છે. જન્મથી જ મનનું નિર્માણ શરૂ થાય છે અને તે અનુભવોથી ઘડાય છે. સારા અનુભવો મનને સકારાત્મક બનાવે છે, જ્યારે નકારાત્મક અનુભવો અને વિચારો મનને નબળું બનાવે છે. તેથી મનુષ્યના સર્વાંગી વિકાસમાં મનની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતમાં મનના અધ્યયન અને તેની ચિકિત્સાની સમૃદ્ધ પરંપરા રહી છે, જેના પર વધુ સંશોધન અને અભ્યાસ થવો જોઈએ. કોઈપણ શાસ્ત્રનો પૂર્ણ વિકાસ માનવજાતિના કલ્યાણનો આધાર બને છે અને જ્ઞાનની પૂર્ણતા દ્વારા જ સમાજનું વ્યાપક હિત શક્ય બને છે.

Leave a Comment