વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   
માધવ સ્મારક સમિતિનું સેવાયજ્ઞ : પૂરગ્રસ્ત ૫૭૦થી વધુ પરિવારો સુધી ફૂડ પેકેટ અને અનાજ કીટ પહોંચાડાઈ
Health

માધવ સ્મારક સમિતિનું સેવાયજ્ઞ : પૂરગ્રસ્ત ૫૭૦થી વધુ પરિવારો સુધી ફૂડ પેકેટ અને અનાજ કીટ પહોંચાડાઈ

વેરાવળ, તા. ૦૭ જુલાઈ : અતિભારે વરસાદના કારણે ઉના તાલુકાના ગાંગડા, સનખડા, માણેકપર, પસવાળા અને ખત્રીવાડા સહિતના ગામોમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ તથા જીવનજરૂરી ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ કપરી પરિસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મારક સમિતિ, જુનાગઢ-સોમનાથ જિલ્લો દ્વારા અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત પહોંચાડવા સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યો.

ઉના સેવા વિભાગના માર્ગદર્શન હેઠળ તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, વેરાવળ શાખાના સહયોગથી તા. ૦૬ જુલાઈના રોજ અસરગ્રસ્ત વિસ્તારોમાં અંદાજે ૪૭૦થી વધુ પરિવારોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તા. ૦૭ જુલાઈના રોજ ગાંગડા અને પસવાળા ગામમાં અંદાજે ૧૦૦થી વધુ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરીને તેમની દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવામાં સહાયરૂપ બનવામાં આવ્યું.

સેવા અભિયાન દરમિયાન સ્વયંસેવકો ગામેગામ પહોંચી અસરગ્રસ્ત પરિવારોની પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી રાહત સામગ્રી સમયસર પહોંચાડવા સતત કાર્યરત રહ્યા હતા. વિપત્તિની આ ઘડીએ સ્વયંસેવકોએ સેવા, સંવેદના અને સામાજિક જવાબદારીના મૂલ્યોને ચરિતાર્થ કરતાં માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

માધવ સ્મારક સમિતિ દ્વારા હાથ ધરાયેલા આ સેવા કાર્યથી સેંકડો પરિવારોને ત્વરિત રાહત પ્રાપ્ત થઈ હતી. કુદરતી આપત્તિના સમયમાં સમાજની પડખે અડીખમ ઊભા રહી નિઃસ્વાર્થ ભાવથી કરવામાં આવતું આ સેવાકાર્ય સમાજજીવનમાં સંગઠિત સેવા અને સમર્પણના સંસ્કારોને વધુ મજબૂત બનાવે છે.

Leave a Comment