મન માં 2047માં દેશ વિભાજનનો ભય નહીં, અખંડ ભારતનો સંકલ્પ મજબૂત બનાવો: ડૉ. મોહન ભાગવતજી
...
સમાજ સંગઠિત અને ગુણવાન બનશે, ત્યારે જ દેશમાં પરિવર્તન આવશે – ડૉ. મોહન ભાગવતજી
...
સરસંઘચાલકજીએ સ્પષ્ટ કર્યું કે ભારતનો સ્વભાવ સનાતન છે.
...
સંઘના શતાબ્દી વર્ષના ઉપલાક્ષમાં આયોજિત ‘સંઘ યાત્રા ના 100 વર્ષ : નવા ક્ષિતિજો’ નામની બે દિવસીય વ્યાખ્યાન માળા મુંબઈ ખાતે યોજાઈ
…
સંઘના શતાબ્દી વર્ષના નિમિત્તે આયોજિત વ્યાખ્યાનમાળામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતજીએ જણાવ્યું કે સંઘ સમાજરૂપ સંગઠન ઊભું કરવાનું કાર્ય કરે છે. સમાજ જ્યારે સંગઠિત અને ગુણવાન બનશે, ત્યારે જ દેશમાં સાચું પરિવર્તન આવશે. નેતા–નારા–નીતિ–પાર્ટી–અવતાર–સરકાર–વિચાર–તત્ત્વજ્ઞાન આ બધાં સહાયક તત્ત્વો છે; સમાજ એ બધાનો માલિક છે. તેથી મૂળરૂપે માલિક એટલે સમાજ જાગૃત બનવો જરૂરી છે.ડૉ. મોહન ભાગવતજી એ જણાવ્યુ હતુ કે, “ધર્મનિરપેક્ષતા શબ્દ યોગ્ય નથી; તેના સ્થાને પંથનિરપેક્ષતા શબ્દ હોવો જોઈએ. વહેવું પાણીનો અને સળગવું અગ્નિનો ધર્મ છે. ધર્મ આપણો સ્વભાવ અને કર્તવ્ય છે, જે ઇહલોક અને પરલોક બંનેમાં સુખ આપે છે. ધર્મ સર્વનો ઉન્નતિ માર્ગ છે. ધર્મ જે સત્ય પર આધારિત છે, તે અસ્તિત્વની એકતાનો સંદેશ આપે છે. આપણને મહાસત્તા બનવું નથી; મહાસત્તા બળથી પોતાનું પ્રભુત્વ સ્થાપે છે. આપણને વિશ્વગુરુ બનવું છે—સમગ્ર વિશ્વને જોડવું છે.”
પ્રથમ સત્રમાં ડૉ. ભાગવતજીએ જણાવ્યું કે સંઘના સ્વયંસેવકો સંચાલન કરે છે, પરંતુ સંઘ કોઈ પેરામિલિટરી સંગઠન નથી. સ્વયંસેવકો લાઠી-કાઠી ચલાવે છે, છતાં સંઘ કોઈ અખિલ ભારતીય અખાડો નથી. સંઘમાં ભારતીય રાગોના આધારે ઘોષ, વ્યક્તિગત ગીતો અને સામૂહિક ગીતો થાય છે, છતાં સંઘ કોઈ અખિલ ભારતીય સંગીત વિદ્યાલય નથી. સંઘના સ્વયંસેવકો રાજકારણમાં પણ છે, છતાં સંઘ કોઈ રાજકીય પક્ષ નથી. ફક્ત બાહ્ય સ્વરૂપના આધારે સંઘનું મૂલ્યાંકન કરવાથી ગેરસમજો ઊભી થાય છે. સંઘને સાચે સમજવો હોય તો સંઘ શાખાનો અનુભવ લેવો જરૂરી છે. મુંબઈ ખાતે યોજાયેલ ‘સંઘ યાત્રા ના 100 વર્ષ: નવા ક્ષિતિજો’ નામના બે દિવસીય સંવાદ કાર્યક્રમમાં 900થી વધુ પ્રતિષ્ઠિત ગણમાન્ય વ્યક્તિઓ સમક્ષ સરસંઘચાલકજીએ પોતાના વિચારો રજૂ કર્યા. વર્લી સ્થિત નહેરુ સેન્ટર સભાગૃહમાં પ્રથમ દિવસના પ્રથમ સત્રમાં તેમણે સંઘની પ્રેરણાદાયી યાત્રા, તેની ઐતિહાસિક પ્રગતિ અને સમાજમાં તેના યોગદાનનો વિસ્તૃત અવલોકન કર્યો.
આ અવસરે મંચ પર પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ. જયંતીભાઈ ભાડેસિયા, કોંકણ પ્રાંત સંઘચાલક અર્જુન ચાંદેકર તથા મુંબઈ મહાનગર સંઘચાલક સુરેશ ભગેરિયા ઉપસ્થિત રહ્યા હતા.
બીજા સત્રમાં તેમણે જણાવ્યું કે સમાજની સંગઠિત શક્તિના આધાર પર દેશને શક્તિશાળી બનાવવા માટે સમાજને સશક્ત કરવાનો ધ્યેય રાખીને સંઘ આગળ વધી રહ્યો છે. દૈનિક શાખામાં હાજરી આપીને શરીર, મન અને બુદ્ધિને મજબૂત બનાવવાની સાથે સમાજહિતના કાર્યોમાં નિસ્વાર્થ ભાવથી જોડાવું પણ સંઘનું કાર્ય છે. તેમણે કહ્યું કે સંઘનું કાર્ય દેશ માટે છે. સંઘ કોઈ સાથે સ્પર્ધા કરવા કે કોઈના વિરોધમાં કાર્ય કરતો નથી. સંઘ સત્તા કે પ્રસિદ્ધિની આકાંક્ષા રાખતો નથી.
જીજ્ઞાશા-સમાધાન સત્રમાં ડૉ. મોહન ભાગવતજીએ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, સામાજિક તથા સાંસ્કૃતિક વિષયો પર ઉપસ્થિત સભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા
પૂછાયેલા કુલ 143 પ્રશ્નોને 14 શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. તેમાં સંઘ નીતિ, હિંદુત્વ, રાષ્ટ્રીય પરિદૃશ્ય, શિક્ષણ, અર્થતંત્ર, રાજકારણ, વિદેશ નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા, સંસ્કૃતિ, કલા, ખેલ, ભાષા, જીવનશૈલી, પર્યાવરણ વગેરે વિષયોનો સમાવેશ હતો.
દેશ વિરોધી શક્તિઓના દેશ વિભાજનના મન્સૂબાઓ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતજીએ કહ્યું કે 2047માં દેશ વિભાજનનો ભય મનમાં રાખવા કરતાં અખંડ ભારતના ઉદયની કલ્પના કરો. જે કાર્ય 500 વર્ષમાં સુલ્તાન-બાદશાહો અહીં રહીને કરી શક્યા નહીં અને 200 વર્ષમાં અંગ્રેજો કરી શક્યા નહીં, તે સ્વતંત્ર ભારતમાં કેમ અને કેવી રીતે થશે? આ 1947 નથી. આપણે ઘણાં આગળ વધી ગયા છીએ. હવે ભારતને તોડનારા પોતે તૂટી જશે. ભારત જોડાશે, અને આ ચોક્કસ થશે. આ સંકલ્પ મનમાં મજબૂત બનાવો. જે થોડા લોકો દુઃસ્વપ્ન જોઈ રહ્યા છે, તેમના મન્સૂબાઓ ક્યારેય સફળ નહીં થાય. આપણે બધા છીએ, આપણે એવું થવા નહીં દઈએ.
સંઘના શતાબ્દી વર્ષના ઉપલાક્ષમાં આયોજિત ‘સંઘ યાત્રા ના 100 વર્ષ : નવા ક્ષિતિજો’ નામના બે દિવસીય સંવાદ કાર્યક્રમમાં મુંબઈના 900થી વધુ પ્રતિષ્ઠિત માન્યવરોને તેમણે સંબોધન કર્યું. નહેરુ સેન્ટર સભાગૃહ, વર્લી ખાતે રવિવાર, 08 ફેબ્રુઆરીએ સંપન્ન પ્રશ્નોત્તર સત્રમાં ડૉ. મોહન ભાગવતજીએ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, સામાજિક તથા સાંસ્કૃતિક વિષયો પર ઉપસ્થિત સભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા. આ અવસરે મંચ પર પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ. જયંતીભાઈ ભાડેસિયા, કોંકણ પ્રાંત સંઘચાલક અર્જુન ચાંદેકર અને મુંબઈ મહાનગર સંઘચાલક સુરેશ ભગેરિયા ઉપસ્થિત રહ્યા હતા. પૂછાયેલા કુલ 143 પ્રશ્નોને 14 શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. તેમાં સંઘ નીતિ, હિંદુત્વ, રાષ્ટ્રીય પરિદૃશ્ય, શિક્ષણ, અર્થતંત્ર, રાજકારણ, વિદેશ નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા, સંસ્કૃતિ, કલા, ખેલ, ભાષા, જીવનશૈલી, પર્યાવરણ વગેરે વિષયોનો સમાવેશ હતો.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર અંગે સરસંઘચાલકજીએ ત્યાંના સવા કરોડ હિંદુઓને સંગઠિત થવા આહ્વાન કર્યું. તેઓ સંગઠિત થશે તો અત્યાચાર પર આપોઆપ રોક લાગી જશે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર નહીં, પરંતુ હિંદુ જ સંઘનો સરસંઘચાલક બને છે, એવું તેમણે જણાવ્યું. સંઘનો સરસંઘચાલક બનવા માટે કોઈ ખાસ જાતિ હોવી ન તો અડચણ છે અને ન તો કોઈ અનિવાર્ય લાયકાત. ભવિષ્યમાં અનુસૂચિત જાતિ કે જનજાતિના કાર્યકર્તાઓ પણ સરસંઘચાલક બની શકે છે.
જેનાં પર પેઢીદર પેઢી અન્યાય કે અત્યાચાર થયા છે, તેમનો સર્વાંગી વિકાસ થાય ત્યાં સુધી અને તેમના મનમાં સુરક્ષાની ભાવના ઉભી થાય ત્યાં સુધી સંવિધાનસન્મત આરક્ષણ ચાલુ રહેવું જોઈએ – આ સંઘની સ્પષ્ટ ભૂમિકા છે. સંઘના સ્વયંસેવકોએ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનો તથા તમામ પ્રકારના પ્રયાસોમાં ભાગીદાર બનવું જોઈએ – આ સંઘની ભૂમિકા છે. પરંતુ માત્ર કાયદા બનાવીને ભ્રષ્ટાચાર પર નિયંત્રણ લાવવું મુશ્કેલ છે; તેના માટે સંસ્કારિત સમાજમનની રચના પણ એટલી જ જરૂરી છે. કોઈ પણ વ્યવસ્થા મૂળભૂત રીતે ભ્રષ્ટ નથી હોતી, પરંતુ તેમાં કાર્ય કરનાર વ્યક્તિઓનું મન ભ્રષ્ટ બને છે અને તેથી વ્યવસ્થા ભ્રષ્ટ થાય છે.
જબરદસ્તી કે લાલચ આપીને ધર્માંતરણ કરવામાં આવે તો તે નિંદનીય છે અને તેનું ઉત્તર ‘ઘર વાપસી’ રહેશે, એવું તેમણે સ્પષ્ટ કર્યું. પરંતુ જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ અથવા સ્વપ્રેરણાથી ધર્મ પરિવર્તન કરે તો તેનો વિરોધ કરવો નહીં. વસ્તીનું પ્રમાણ માત્ર જન્મદર ઘટવાથી જ બદલાતું નથી, પરંતુ ધર્માંતરણ અને ગેરકાયદેસર ઘુસણખોરીને કારણે પણ બદલાય છે – એવું જણાવતાં ગેરકાયદેસર ઘુસણખોરી સંદર્ભે ‘ડિટેક્ટ એન્ડ ડિપોર્ટ’ નીતિને કડકપણે અમલમાં મૂકવાની અપીલ કરી.
હિંદુ અને સીખ પહેલેથી જ એક હતા અને આજે પણ તેમના વચ્ચે રોટી-બેટીના સંબંધો છે. તેમનો રક્તસંબંધ છે. પૂજાપદ્ધતિ અલગ હોઈ શકે છે અને તેમની વિશિષ્ટતાને માન્યતા આપવી જોઈએ, પરંતુ તેઓ અલગ નથી. આપણે બધા ધર્મ એક જ પરંપરામાંથી આવ્યા છીએ. ગુરુ ગ્રંથ સાહિબમાં માત્ર સીખ ગુરુઓની જ નહીં, પરંતુ સમગ્ર ભારતના સંતોની વાણી સંકલિત છે. ‘હિંદની ચાદર’ તરીકે ઓળખાતી આ પ્રાચીન એકતાને ફરીથી સ્થાપિત કરવાની જરૂર છે. સમાજ તરીકે આપણે બધા એક છીએ – આ ધ્યાનમાં રાખવું જોઈએ. ‘હિંદુ’ નામે કોઈ અલગ ધર્મ અસ્તિત્વમાં નથી. આજનું જે હિંદુ ધર્મ કહેવાય છે, તે જ પ્રાચીન સનાતન ધર્મ છે. તથાગત બુદ્ધે પોતાના ઉપદેશો દ્વારા સનાતન ધર્મમાં સમયાનુકૂળ સુધારાઓ કર્યા. આધુનિક સમયમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ આ તરફ ઈશારો કર્યો છે.
ઈસા મસીહ દ્વારા પ્રતિપાદિત ઈસાઈયત અને પયગંબર મહંમદ દ્વારા બતાવવામાં આવેલ ઇસ્લામનું સ્વરૂપ આજે મૂળ સ્વરૂપમાં દેખાતું નથી. કારણ કે તેમના પછી આ બંને પંથો પર તત્કાલીન રાજકારણનો પ્રભાવ વધી ગયો. પરિણામે આધ્યાત્મિકતા પાછળ રહી ગઈ અને રાજકીય હિતો વધુ પ્રભાવી બન્યા. જો આ પંથોના મૂળ આધ્યાત્મિક તત્ત્વોને પ્રોત્સાહન આપવામાં આવે, તો વિશ્વભરના રાજકીય સંઘર્ષોમાં ઘટાડો આવી શકે છે. ભારત રત્ન ન મળ્યો હોવા છતાં સ્વાતંત્ર્યવીર સાવરકર કરોડો ભારતીયોના હૃદય પર રાજ કરે છે. જો તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે તો આ સન્માનની પ્રતિષ્ઠા વધુ વધશે.
ભાજપ સત્તામાં આવવાથી સંઘને કોઈ સીધો લાભ થયો નથી. સમાજમાં સંઘની વધતી શક્તિ અને સ્વીકાર્યતાનો લાભ સમાન વિચારધારા અને ભારતીય નીતિઓનું પાલન કરનાર રાજકીય દળોને મળ્યો છે. સંઘના સ્વયંસેવકોના સતત પરિશ્રમ અને સમાજ તરફથી મળેલા સ્નેહ અને વિશ્વાસના કારણે જ સંઘનું કાર્ય વિસ્તર્યું છે. સંઘ સાથે સંકળાયેલી સંસ્થાઓ, સંગઠનો અથવા દળો પર સંઘ કોઈ દબાણ મૂકતો નથી. ત્યાં કાર્ય કરનારા સ્વયંસેવકોને પૂરતી સ્વતંત્રતા હોય છે, જેથી તેઓ પોતાના ક્ષેત્રમાં જરૂરી નિર્ણયો અને પ્રયોગો જવાબદારીપૂર્વક કરી શકે. તેઓ જે સારા કાર્ય કરે છે તેનો શ્રેય તેમને જ મળે છે, પરંતુ જ્યાં ખામીઓ રહે છે ત્યાં અભિભાવક તરીકે પ્રશ્નો અમારી પાસે આવે છે અને તેની નૈતિક જવાબદારી અમે સ્વીકારીએ છીએ. સંઘનું કાર્ય માત્ર વ્યક્તિ નિર્માણનું છે; કોઈ વિશેષ ક્ષેત્રમાં કાર્ય કરવું સંઘનું કાર્ય નથી.
સમાન નાગરિક સંહિતા અંગે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતાં સરસંઘચાલકજીએ કહ્યું કે સમાજની માનસિકતા તૈયાર કરીને અને સમાજના તમામ ઘટકોને વિશ્વાસમાં લઈને જ આવો કાયદો લાગુ કરવો જોઈએ. ઉત્તરાખંડ અને અન્ય કેટલાક રાજ્યોમાં આવા પ્રયોગો થઈ રહ્યા છે, તેથી અમે તેનું સ્વાગત કરીએ છીએ. ભારત વૈવિધ્યમાં એકતા જાળવનાર દેશ છે – આ સિદ્ધાંતને આવા કાયદા બનાવતી વખતે પ્રાથમિકતા આપવી જોઈએ.સંઘના કાર્યકર્તાઓની સરેરાશ ઉંમર 28 વર્ષ છે અને તેને 25 વર્ષથી નીચે લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. દેશનો યુવા દેશભક્ત અને નૈતિક આચરણ કરનાર છે. જો તેમને તેમની ભાષામાં વિષયો સમજાવવામાં આવે તો તેઓ તેને સ્વીકારે છે અને તેનો આચરણ પણ કરે છે. તેથી તાર્કિક પદ્ધતિથી તેમને તેમના મૂળ વિચારો સુધી પહોંચાડવા જોઈએ. તેમને પ્રયોગ કરવાની સ્વતંત્રતા અને તક આપવી જોઈએ, અને જો પ્રયોગમાં કોઈ ભૂલ થાય તો તેમના પાછળ દૃઢતાથી ઊભા રહેવું જોઈએ. જો વર્તમાન પેઢી યુવાઓની જિજ્ઞાસા સંતોષવાની ક્ષમતા વિકસાવે, તો યુવાપેઢી અને વર્તમાન પેઢીના સમન્વયથી ભવિષ્યનું સશક્ત ભારત નિર્માણ થશે. ભારતીય દર્શન અંતરાત્મા સુધી અસર કરે છે, જ્યારે પાશ્ચાત્ય પ્રભાવ બહારના સ્તર સુધી જ સીમિત રહે છે