લાલપુર મંડલ દ્વારા ભવ્ય ‘હિન્દુ સંમેલન’ સંપન્ન:
લાલપુર:
તાજેતરમાં લાલપુર મંડલ દ્વારા એક વિરાટ અને પ્રભાવી હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ‘વાતો નહીં પણ વ્યવહાર’ના મંત્ર સાથે સામાજિક સમરસતાના જીવંત દર્શન થયા હતા. આ કાર્યક્રમની પૂર્વતૈયારીના ભાગરૂપે લાલપુર મંડલ ના ૪૦૦૦થી વધુ ઘરોનો વ્યક્તિગત સંપર્ક કરી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
જાતિ, પંથ કે સંપ્રદાયના ભેદભાવથી ઉપર ઊઠીને આપણે સૌ ભારતમાતાના સંતાન છીએ તે ભાવને ચરિતાર્થ કરવા માટે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. દરેક ઘરેથી મહાપ્રસાદ માટે એક ચમચી કે વાટકી ઘી એકત્રિત કરવામાં આવ્યું હતું, જે સમાજની એકતા અને અખંડિતતાનું પ્રતીક બન્યું હતું.
કાર્યક્રમમાં સેવા વસ્તી (શોષિત/વંચિત સમાજ)ના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ આ બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનો હતો. શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા ‘અસ્પૃશ્યતા નિવારણ’ પર આધારિત એક હૃદયસ્પર્શી નાટિકા રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગામની દીકરી દ્વારા રજૂ કરવામાં આવેલા રાષ્ટ્રભક્તિના ગીતે સમગ્ર વાતાવરણમાં જોમ અને જુસ્સો ભરી દીધો હતો.
આ અવસરે જામનગરના પૂજ્ય સંત શ્રી ચતુર્ભુજ સ્વામી, પ્રગટેશ્વર મંદિરના પૂજ્ય મહંત શ્રી મહેશબાપુ અને નવી પીપરના રાજશ્રી આશ્રમ ના પૂજ્ય મહંત શ્રી ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. મુખ્ય વક્તા શ્રી સંજીવભાઈ ઓઝાએ પોતાના પ્રભાવી વક્તવ્યમાં "સ્વ"-બોધ, કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, નાગરિક કર્તવ્ય અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર પાથેય પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૫૨ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી.
તેમજ કાર્યક્રમ ના અંતે ભારતમાતાની આરતી અને રામધૂનથી સમગ્ર માહોલ આધ્યાત્મિક અને રાષ્ટ્રભક્તિમય બની ગયો હતો. કાર્યક્રમ માં પ્રાંત અધિકારી શ્રી સંજયસિંહ અવસાર, કાર્યક્રમ ના અધ્યક્ષ તરીકે શ્રી ધર્મેશભાઈ ધમસાણીયા લાલપુર ગામ ના સરપંચ શ્રી જયેશ તરૈયા તથા પૂર્વ સરપંચ શ્રી સમીર ભેંસદળિયા ની કાર્યક્રમ માં વિશેષ ઉપસ્થિતિ રહી હતી.