સંત શિરોમણી શ્રી રોહિદાસજીની ૬૫૦મી જન્મજયંતી વર્ષનો પ્રારંભ: સરસઈ (જૂનાગઢ) ખાતે ભવ્ય આયોજન
૧ ફેબ્રુઆરી ૨૦૨૬, મહા પૂનમ, રવિવારના દિવસે સંત શિરોમણી શ્રી રોહિદાસજીની જન્મજયંતીનું ૬૫૦મું વર્ષ શરૂ થયું.
તેમની ૧૨૫ વર્ષની આયુ દરમિયાન સમગ્ર દેશમાં ભક્તિભાત્રા કરતી વખતે, તેઓ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ નજીક સરસઈ ગામમાં પણ અંદાજે ૧૬ વર્ષ રોકાયા હતા અને ત્યાં ૭ (સાત) કુંડનું નિર્માણ કર્યું હતું. આજે સરસઈમાં તે સાતમાંથી ૩ કુંડ હયાત છે. જૂનાગઢના સરસઈમાં દર વર્ષે સર્વ પિતૃ અમાસના દિવસે ખૂબ મોટો મેળો ભરાય છે અને સમગ્ર દેશમાંથી શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચે છે. ખાસ કરીને પંજાબ અને હરિયાણાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.
૧ ફેબ્રુઆરી, મહા પૂનમ રવિવારના રોજ સંત શિરોમણી શ્રી રોહિદાસજીની ૬૫૦મી જન્મજયંતીના અવસરે સામાજિક સમરસતા ગતિવિધિના અખિલ ભારતીય સહ-સંયોજક આદરણીય શ્રી રવિન્દ્રજી કિરકોલે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગુજરાત પ્રાંતના સમરસતા ગતિવિધિ પ્રચારક શ્રી યોગેશભાઈ પારેખ, કેન્દ્રીય ટોળીના સભ્ય ડૉ. શ્રી વિજય ઝાલા, ગુજરાત પ્રાંત સંયોજક ડૉ. શ્રી હેમાંગભાઈ પુરોહિત, સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક શ્રી જતિનભાઈ નાણાવટી અને જિલ્લા-વિભાગ-તાલુકાના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સંત શિરોમણી શ્રી રોહિદાસ મંદિર પરિસરના ટ્રસ્ટીગણ સાથે બેઠક યોજાઈ હતી. આદરણીય શ્રી રવિન્દ્રજીએ વારાણસી અને પંજાબ સહિત સમગ્ર દેશમાં શ્રી રવિદાસજી સંબંધિત વિષયો સૌની સમક્ષ મૂક્યા હતા. સમરસતા કાર્યકર્તાઓ સાથે મળીને સહયોગથી સરસઈમાં એક મોટું કાર્યક્રમ આયોજન કરવાનો વિચાર સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યો હતો.
આદરણીય શ્રી રવિન્દ્રજી અને તમામ કાર્યકર્તાઓએ સંત શ્રી રોહિદાસ મંદિર તેમજ શ્રી કાલ ભૈરવ મંદિરમાં દર્શન કર્યા અને પવિત્ર ગંગાકુંડના જળનું આચમન લીધું. ત્યારબાદ ૫૦૦૦ ભક્તો સાથે સહભોજનનું આયોજન થયું હતું. મોડી રાત્રે સંત રોહિદાસ રચિત ભક્તિ ભજનોનો લ્હાવો સૌ લોકોએ લીધો હતો.
વ્યવસ્થાપન સમિતિ દ્વારા વિશેષ રૂપે તમામ સંતો, મહાત્માઓ અને મહાનુભાવોની સાથે આદરણીય શ્રી રવિન્દ્રજીને આદરપૂર્વક મંચ (ડાયસ) પર સ્થાન આપવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ આદરણીય શ્રી ચંદુભાઈ આલાભાઈ પરમારે પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું.