વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન બિલ–2025 પર રાજકોટમાં રાષ્ટ્રીય શૈક્ષણિક કોલોક્વિયમ
સૌરાષ્ટના તમામ કુલપતિશ્રી અને અનેક તજજ્ઞો ને એક પ્લેટફોર્મ પર લાવી પોલિસી મેકિંગ અંગે કરાયું મંથન
ઉચ્ચ શિક્ષણમાં ગવર્નન્સ, ગુણવત્તા અને શૈક્ષણિક સુધારાઓ અંગે કુલપતિઓ અને શિક્ષણવિદોની ચર્ચા
રાજકોટ: ભારતીય શિક્ષણ મંડળ (BSM) સૌરાષ્ટ્ર પ્રાંત, રાજકોટ અને આત્મીયા યુનિવર્સિટી, રાજકોટના સંયુક્ત આયોજન હેઠળ “વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન બિલ – 2025” વિષયક એકદિવસીય રાષ્ટ્રીય શૈક્ષણિક કોલોક્વિયમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ, શિક્ષણવિદો અને સંશોધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં આવનારા નીતિગત પરિવર્તનો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંકલન પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર તરીકે પ્રો. સંજય ભાયાણી (ડીન અને પ્રોફેસર, બિઝનેસ મેનેજમેન્ટ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ) દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત સવારે નોંધણી પ્રક્રિયા બાદ ઉદ્ઘાટન સત્રથી કરવામાં આવી હતી. ભારતીય શિક્ષણ મંડળ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ શ્રી સુરેશ નાહાટાએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. દીપ પ્રજ્વલન અને પ્રાર્થના સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધ્યેય શ્લોક અને ધ્યેય વાક્યના પાઠ દ્વારા શિક્ષણના મૂલ્યો અને રાષ્ટ્રીય વિકાસમાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આ અવસરે ભારતીય શિક્ષણ મંડળ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત મંત્રી શ્રી હરેશ બાંભણીયા એ ભારતીય શિક્ષણ મંડળની પ્રવૃત્તિઓ અને શિક્ષણક્ષેત્રમાં તેના યોગદાન વિશે માહિતી આપી હતી. મુખ્ય વક્તા તરીકે પ્રો. મહેશભાઈ ઓઝાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણ માટે શિક્ષણ વ્યવસ્થામાં મજબૂત નીતિગત માળખું અને મૂલ્યઆધારિત અભિગમ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ શિક્ષણમાં સંસ્કાર અને નૈતિક મૂલ્યોના મહત્વ અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા.
ત્યારબાદ બીજા સત્રમાં “Vikshit Bharat Education Institutions Bill – 2025: Structural Foundations, New Opportunities, Challenges and Effective Implementation” વિષય પર કુલપતિઓની પેનલ ચર્ચા યોજાઈ હતી. આ સત્રના અધ્યક્ષ તરીકે પ્રો. એમી ઉપાધ્યાય (કુલપતિ, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ) હાજર રહ્યા હતા. સત્રનું સંચાલન પ્રો. સંજય ભાયાણી અને ડૉ. આશિષ કોઠારી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પેનલ ચર્ચામાં પ્રો. પ્રતિાપસિંહ ચૌહાણ (કુલપતિ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ), પ્રો. રાકેશકુમાર મુદગલ (કુલપતિ, આત્મીયા યુનિવર્સિટી, રાજકોટ), પ્રો. દીપક પટેલ (પ્રોવોસ્ટ, ડૉ. સુભાષ યુનિવર્સિટી, જૂનાગઢ) અને પ્રો. એમ. વી. સંગાણી (પ્રોવોસ્ટ, દર્શન યુનિવર્સિટી, રાજકોટ)એ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણમાં પારદર્શક ગવર્નન્સ, સંસ્થાગત સ્વાયત્તતા અને ટેકનોલોજી આધારિત શિક્ષણ વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ત્રીજા સત્રમાં “Academic Reforms, Funding, Quality & Inclusivity” વિષય પર પેનલ ચર્ચા યોજાઈ હતી. આ સત્રના અધ્યક્ષ તરીકે શ્રીમતી ચંચલ ભારદ્વાજ (ડિરેક્ટર – ઇન્ડસ્ટ્રી રિલેશન્સ અને એલ્યુમ્ની અફેર્સ, શ્રી વિશ્વકર્મા સ્કિલ યુનિવર્સિટી, હરિયાણા) હાજર રહ્યા હતા. સત્રનું સંચાલન પ્રો. સંજય ભાયાણી અને ડૉ. રમેશ કોઠારી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સત્રમાં પ્રો. ભરત રામાનુજ (કુલપતિ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર)એ ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અને સંશોધનને પ્રોત્સાહન આપવા અંગે વિચાર રજૂ કર્યા હતા. જ્યારે શ્રી પાર્થ કોટેચા (એસોસિયેટ વાઇસ પ્રેસિડન્ટ, નોબલ યુનિવર્સિટી, જૂનાગઢ)એ શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના સહયોગ દ્વારા વિદ્યાર્થીઓને રોજગારક્ષમ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સમાપન સત્ર દરમિયાન સમગ્ર કાર્યક્રમમાં થયેલી ચર્ચાનો સાર રજૂ કરવામાં આવ્યો હતો. વિવિધ સત્રોમાં થયેલા વિચારવિમર્શના આધારે ઉચ્ચ શિક્ષણમાં ગવર્નન્સ સુધારણા, સંસ્થાગત સ્વાયત્તતા, ગુણવત્તા સુધારણા, સંશોધનને પ્રોત્સાહન, ઉદ્યોગ સાથે સંકલન અને સમાવેશી શિક્ષણ જેવી બાબતો અંગે મહત્વપૂર્ણ સૂચનો બહાર આવ્યા હતા. આ તમામ સૂચનોને સંકલિત કરીને પ્રસ્તાવિત Vikshit Bharat Shiksha Adhisthan Bill – 2025માં સમાવિષ્ટ કરવા માટે સરકાર સમક્ષ વિચારણા માટે મોકલવાની સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી.
અંતમાં કાર્યક્રમ સંયોજક પ્રો. સંજય ભાયાણી દ્વારા તમામ મહાનુભાવો, વક્તાઓ, આયોજકો અને ઉપસ્થિત પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સહભોજન સાથે કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યો હતો.