ભારત માટે “ટેકનોલોજી, સુરક્ષા અને આત્મનિર્ભરતા”ના પ્રતિક એટલે INS અરિદમન અને યુદ્ધજહાજ INS તારાગિરી
ભારતની સમુદ્રી સુરક્ષા અને રણનીતિક શક્તિમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે, અને તેમાં INS અરિદમન અને યુદ્ધજહાજ INS તારાગિરી આધુનિક જહાજોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આ બંને જહાજો માત્ર નૌકાદળની સંખ્યામાં વધારો નથી કરતા, પરંતુ ભારતની સૈન્ય ક્ષમતાને ગુણાત્મક રીતે મજબૂત બનાવે છે. આ બંને ભારત માટે “ટેકનોલોજી, સુરક્ષા અને આત્મનિર્ભરતા”ના પ્રતિક છે. તેઓ માત્ર દેશની સરહદોને જ નહીં, પરંતુ તેના વૈશ્વિક પ્રભાવને પણ મજબૂત બનાવે છે.
INS અરિદમન એક પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઈલ સબમરીન (SSBN) છે, જે લગભગ 6,000 થી 7,000 ટન ડિસ્પ્લેસમેન્ટ ધરાવે છે અને તેની લંબાઈ આશરે 110 મીટર છે. આ સબમરીન પરમાણુ રિએક્ટર દ્વારા સંચાલિત હોવાથી તે મહિનાઓ સુધી પાણી નીચે રહી શકે છે, જે તેની સૌથી મોટી કાર્યક્ષમતા છે. તેની ગતિ પાણી નીચે આશરે 24 knots ( અંદાજે 50 કી.મી.) સુધી પહોંચી શકે છે. INS અરિદમન K-15 (રેન્જ ~750 km) અને K-4 (રેન્જ ~3,500 km) જેવી બેલિસ્ટિક મિસાઈલો લઈ શકે છે.
બીજી તરફ, INS તારાગિરી એક Project 17A હેઠળ બનેલી સ્ટેલ્થ ગાઇડેડ મિસાઈલ ફ્રિગેટ છે. તેની લંબાઈ આશરે 149 મીટર છે અને તેનો ડિસ્પ્લેસમેન્ટ લગભગ 6,600 ટન છે. તેની મહત્તમ ગતિ લગભગ 28 knots 52 (KM/H) છે, જે તેને ઝડપી પ્રતિસાદ આપવા સક્ષમ બનાવે છે. INS તારાગિરીમાં સ્ટેલ્થ ડિઝાઇનનો ઉપયોગ થયો છે, જેના કારણે તે રડાર પર ઓછી દેખાય છે અને દુશ્મન માટે તેને શોધવું મુશ્કેલ બને છે. INS તારાગિરી એક “ટેક્ટિકલ અને ઓપરેશનલ પ્લેટફોર્મ” છે, જે દરિયામાં સક્રિય રીતે પેટ્રોલિંગ, સુરક્ષા અને યુદ્ધ કામગીરી કરે છે.
આ જહાજની સૌથી મોટી શક્તિ તેની મલ્ટી-રોલ યુદ્ધ ક્ષમતા છે. તેમાં બ્રહ્મોસ સુપરસોનિક એન્ટી-શિપ મિસાઈલ લગાવવામાં આવી છે, જે આશરે Mach 2.8 (3450 KM/H) ની ગતિએ દુશ્મનના જહાજોને નિશાન બનાવી શકે છે. આ ઉપરાંત, તેમાં surface-to-air મિસાઈલ સિસ્ટમ છે, જે હવાઈ હુમલાઓ સામે રક્ષણ આપે છે. એન્ટી-સબમરીન યુદ્ધ માટે તેમાં ટોર્પેડો અને મલ્ટી-રોલ હેલિકોપ્ટર તૈનાત કરી શકાય છે. તેની 76mm નૌકાદળ ગન નજીકના લક્ષ્યો સામે અસરકારક છે.
સંકલન :
અલ્પેશ રાણપરીયા
રાજકોટ