વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   
રાજકોટમાં સેવા ભારતી દ્વારા સેવા મિલન કાર્યક્રમ યોજાયો, 300થી વધુ કાર્યકર્તાઓ જોડાયા
Education

રાજકોટમાં સેવા ભારતી દ્વારા સેવા મિલન કાર્યક્રમ યોજાયો, 300થી વધુ કાર્યકર્તાઓ જોડાયા

રાજકોટ, તા. 10 એપ્રિલ 2026:
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિના માર્ગદર્શન હેઠળ “સેવા પરમો ધર્મ:” ના પવિત્ર ભાવ સાથે સેવા ભારતી દ્વારા રાજકોટ ખાતે સેવા મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ તા. 5 એપ્રિલ 2026ના રોજ સેવા ભારતી ભવન, રાજકોટ ખાતે યોજાયો હતો, જેમાં રાજકોટ મહાનગરના વિવિધ સેવા ક્ષેત્રોમાં કાર્યરત 300થી વધુ ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમમાં બાલ સંસ્કાર કેન્દ્ર, આરોગ્ય સેવા, વ્યસન મુક્તિ અભિયાન, દિવ્યાંગ બાળકોના ઉત્થાન, અન્નક્ષેત્ર અને પર્યાવરણ જેવા અનેક ક્ષેત્રોમાં કાર્યરત સેવાપ્રેમીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમના પ્રથમ સત્રની શરૂઆત બાલ સંસ્કાર કેન્દ્રની બાળાઓ દ્વારા સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ સેવા ભારતી ગુજરાત દ્વારા કરવામાં આવતા વિવિધ સેવા કાર્યોની માહિતી ડોક્યુમેન્ટરી દ્વારા રજૂ કરવામાં આવી. વિવિધ કાર્યકર્તાઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.

આ સત્રમાં મુખ્ય અતિથિ તરીકે મનીષભાઈ વસોયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સેવા ભારતી દ્વારા કરવામાં આવતા સેવાકાર્યો સમાજમાં સેવાભાવના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. મુખ્ય વક્તા તરીકે ડો. સંજીવભાઈ ઓઝાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વંચિત અને અભાવગ્રસ્ત લોકોની સેવા કરવી એ જ ઈશ્વરની સેવા છે.

કાર્યક્રમના દ્વિતીય સત્રમાં સેવા ભારતી રાજકોટના વિવિધ કાર્યોની માહિતી ફરીથી ડોક્યુમેન્ટરી દ્વારા રજૂ કરવામાં આવી. આ સત્રમાં મુખ્ય અતિથિ તરીકે એકરંગ ચિલ્ડ્રન્સ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપક દીપિકાબેન પ્રજાપતિ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે રાજકોટ શહેરમાં સેવાક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા. જેમાં સત્યમ સેવા ફાઉન્ડેશનના ટ્રસ્ટી નીરવ મણિયાર, સેતુ ફાઉન્ડેશનની સ્થાપક નેહાબેન ઠાકર અને બડા બજરંગ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ કલ્પેશભાઈ ગમારાને સેવા ક્ષેત્રે ઉત્તમ કાર્ય બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

મુખ્ય વક્તા તરીકે મહેશભાઈ જીવાણીએ જણાવ્યું હતું કે સેવા સંસ્કાર હિન્દુ સમાજના જન્મજાત મૂલ્યો છે અને કોઈપણ આપત્તિના સમયમાં સમાજ હંમેશા સેવા માટે અગ્રેસર રહે છે.

અંતે “વંદે માતરમ”ના સમૂહ ગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સેવા ભારતી ગુજરાતના ટ્રસ્ટીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment