રાજકોટ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – રાજકોટ મહાનગર દ્વારા દેવર્ષિ નારદ જયંતી તથા વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તા. ૩ મે ૨૦૨૬ના રોજ રાજકોટ ખાતે ભવ્ય પત્રકાર મિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાજકોટના અગ્રણી મીડિયા હાઉસના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રના વિકાસમાં મીડિયાની સકારાત્મક તથા શક્તિશાળી ભૂમિકાને લઈને મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન સૌરાષ્ટ્ર પ્રાંત સંઘચાલક માનનીય મુકેશભાઈ મલકાણે પત્રકારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે સમાજના સળગતા પ્રશ્નો અંગે પત્રકારોના વિચારો અને સૂચનો જાણ્યા હતા. સાથે જ તેમણે સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણ માટે નિષ્પક્ષ, જવાબદાર અને મૂલ્યઆધારિત પત્રકારત્વની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
મુકેશભાઈ મલકાણેએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં અનેક પત્રકારો અને મીડિયા સંસ્થાઓ પોઝિટિવ સ્ટોરી દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશો પહોંચાડીને નાગરિકોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે, જે અભિનંદનને પાત્ર છે. તેમણે ઉમેર્યું હતું કે મીડિયા લોકશાહીનો ચોથો સ્તંભ છે અને સમાજ પરિવર્તન દ્વારા રાષ્ટ્રકાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારાએ દેવર્ષિ નારદજી વિશે સમાજમાં ફેલાયેલી ગેરસમજો અંગે પ્રકાશ પાડ્યો હતો. તેમણે નારદજીના પત્રકારત્વ અને સંવાદ કળા વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો રજૂ કરી હતી.
કાર્યક્રમના આરંભે રાજકોટના અકિલા પરિવારના સ્વ. ભાવનાબેન દીપકકુમાર નાગ્રેચા તથા આજકાલ પરિવારના સ્વ. રજનીબેન ધનરાજભાઈ જેઠાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહાનગર સંઘચાલક માન. ડૉ. જીતેન્દ્રભાઈ અમલાણી, મહાનગર કાર્યવાહ ડૉ. આશિષભાઈ શુક્લ સહિત સંઘના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.