બાયડ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ઉત્તર ગુજરાત પ્રાંતના ‘સંઘ શિક્ષા વર્ગ’નો પ્રારંભ તા. ૯ મે, ૨૦૨૬ના રોજ બાયડના માધવ કંપા સ્થિત પંચશીલ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યો હતો. આ પ્રશિક્ષણ વર્ગમાં ઉત્તર ગુજરાતના ૮ જિલ્લાઓમાંથી કુલ ૧૪૧ શિક્ષાર્થીઓ અને ૨૦ શિક્ષકો ઉત્સાહભેર સહભાગી બન્યા છે.
આ વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓને સંઘ કાર્યનો વિસ્તાર, સંઘ દ્રઢીકરણ અને સમાજ જાગરણ માટે વિવિધ પ્રકારનું શારીરિક તેમજ બૌદ્ધિક પ્રશિક્ષણ આપવામાં આવશે. સાથે જ દૈનિક જીવનમાં સમયનું મહત્વ, સ્વચ્છતા, શિસ્ત અને ‘પંચ પરિવર્તન’ જેવા જીવનમૂલ્યો અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે.
પ્રશિક્ષણ વર્ગ દરમિયાન અખિલ ભારતીય અધિકારી શ્રી રવિજી જોશી, શ્રી અનંતજી, પ્રાંત પ્રચારક શ્રી નિમેશભાઈ પટેલ, સહ પ્રાંત પ્રચારક શ્રી કુણાલભાઈ રૂપપરા સહિત પ્રાંતના અગ્રણીઓ ઉપસ્થિત રહી સ્વયંસેવકોને માર્ગદર્શન અને પ્રેરણા આપશે.
વર્ગના ઉદ્ઘાટન સમારોહમાં ભિલોડા (અરવલ્લી)ના ટોરડા ધામના મહંત પરમ પૂજ્ય સિદ્ધેશ્વરદાસજી મહારાજના આશીર્વચન સાથે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વર્ગના સર્વાધિકારી શ્રી ભીખાભાઈ પટેલ, વર્ગ કાર્યવાહ ડૉ. ભાવેશભાઈ પટેલ તેમજ ગુજરાત પ્રાંત કાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
પોતાના આશીર્વાદનમાં પરમ પૂજ્ય સિદ્ધેશ્વરદાસજી મહારાજે જણાવ્યું હતું કે, “મનુષ્ય તરીકે ભારત ભૂમિ પર જન્મ મળવો એ સૌભાગ્યની વાત છે.” તેમણે છત્રપતિ શિવાજી મહારાજ, ગોપાલાનંદ સ્વામી અને નંદ રાજા જેવા મહાપુરુષોના જીવનપ્રસંગો દ્વારા રાષ્ટ્ર અને ધર્મ માટે સમર્પિત જીવન જીવવાની પ્રેરણા આપી હતી.
સ્વામીજીએ વધુમાં જણાવ્યું હતું કે સંઘમાં દરેક કાર્યકર નિઃસ્વાર્થ ભાવથી કાર્ય કરે છે અને અહીં સાદગી, શિસ્ત તથા આત્મીયતાના મૂલ્યોના દર્શન થાય છે, જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે.