વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 'સંઘ શિક્ષા વર્ગ - વિશેષ'નું નવી પારડી, સુરત ખાતે શુભારંભ
Education

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 'સંઘ શિક્ષા વર્ગ - વિશેષ'નું નવી પારડી, સુરત ખાતે શુભારંભ

સ્વયંસેવકોના અનુશાસન અને રાષ્ટ્રભાવનાને વંદન
- શાસ્ત્રી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પશ્ચિમ ક્ષેત્રના ‘સંઘ શિક્ષા વર્ગ (વિશેષ)નો (40 થી 65 વર્ષ સુધીના સ્વયંસેવકો માટે) પ્રારંભ તારીખ 10 મે 2026ના રોજ શ્રી વિદ્યા મંગલ નિવાસી શાળા, નવી પારડી, સુરત ખાતે થયો હતો. આ વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓને સંઘ કાર્યના વિસ્તાર, સંઘ દૃઢીકરણ અને સમાજ જાગરણ માટે વિવિધ પ્રકારની શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ આપવામાં આવશે. આ સાથે જ દૈનિક જીવનમાં સમયનું મહત્વ, સ્વચ્છતા અને ‘પંચ પરિવર્તન’ જેવા મૂળભૂત વિષયો પર પણ માર્ગદર્શન અપાશે. આ ઉપરાંત સેવા, સંપર્ક, પ્રચાર, પર્યાવરણ, ગ્રામવિકાસ, ધર્મજાગરણ, ગૌસેવા, કુટુંબ પ્રબોધન અને સમરસતાની વ્યવહારુ તાલીમ આપવામાં આવશે.

ઉદ્ઘાટન સમારોહમાં શાસ્ત્રી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી, શ્રી વિદ્યા મંગલ નિવાસી શાળાના પ્રમુખ હેમંતભાઈ પટેલ, વર્ગના સર્વાધિકારી શ્રી હિંમતસિંહજી વસન, વર્ગ કાર્યવાહ શ્રી ગણપતસિંહ પરમાર, ક્ષેત્ર સહકાર્યવાહ શ્રી યશવંતભાઈ ચૌધરી તથા ક્ષેત્ર સહ પ્રચારક શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.

પોતાના આશીર્વચનમાં શાસ્ત્રી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજીએ જણાવ્યું હતું કે, આપણા સૌમાં ભારતીય હોવાનું ગૌરવ અને ભાવ જાગૃત રહેવો જોઈએ. તેમણે સમરસ સમાજ નિર્માણ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે ભગવો ધ્વજ રાષ્ટ્રના સ્વાભિમાનનું પ્રતીક છે અને હિન્દુત્વની જ્યોત પ્રજ્વલિત રાખવી એ આપણું મુખ્ય કર્તવ્ય છે.

તેમણે ‘પંચ પરિવર્તન’ના સંદેશ દ્વારા સમાજને વિવિધ સમસ્યાઓમાંથી મુક્ત બનાવવાનું આહ્વાન કર્યું અને કહ્યું કે આત્મનિર્ભર ભારત માત્ર એક સૂત્ર નથી, પરંતુ એક જીવનશૈલી છે. આ સંકલ્પને સાકાર કરવા માટે તેમણે સૌને આગળ આવવા પ્રેરણા આપી હતી.

વર્ગના પાલક અધિકારી શ્રી સુહાસજી ભગતે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે, વર્ગ પ્રશિક્ષણનો ઉદ્દેશ્ય વૈચારિક સ્પષ્ટતા, કાર્યની સમજ અને સાચી દિશા પ્રદાન કરવાનો છે. તેમણે નોંધ્યું હતું કે વિવિધ પ્રતિકૂળતાઓ, વ્યાવસાયિક વ્યસ્તતાઓ અને સુવિધાઓનો ત્યાગ કરીને સ્વયંસેવકો પોતાના ખર્ચે આ વર્ગમાં સહભાગી થાય છે અને તેને સાધના સ્વરૂપે સ્વીકારે છે.

આ વર્ગમાં ગુજરાત પ્રાંત, સૌરાષ્ટ્ર પ્રાંત અને કોંકણ પ્રાંતના વિવિધ જિલ્લાઓમાંથી કુલ 341 શિક્ષાર્થીઓ સહભાગી થયા છે. વર્ગમાં 39 શિક્ષકો અને 52 પ્રબંધકો વ્યવસ્થા માટે ઉપસ્થિત છે.

Leave a Comment