જૂનાગઢ, તા. 10 મે 2026 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચાર વિભાગ (સાહિત્ય આયામ), જૂનાગઢ દ્વારા આદ્ય ગુરુ શંકરાચાર્ય જયંતિ નિમિતે “સાહિત્ય સંગમ” કાર્યક્રમનું આયોજન જોષીપરા કન્યા છાત્રાલય ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જૂનાગઢ શહેર અને જિલ્લાના લોક સાહિત્યકારો, કવિઓ, લેખકો, ભજનિકો, હાસ્ય કલાકારો, આખ્યાનકારો, કેળવણીકારો, સંગીત સાધકો તેમજ વિવિધ ક્ષેત્રના પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભારતમાતા તથા આદ્ય ગુરુ શંકરાચાર્યજીના ચિત્ર સમક્ષ દીપ પ્રાગટ્ય અને વંદના સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. રાષ્ટ્ર ઉત્થાન, રાષ્ટ્ર વિકાસ અને રાષ્ટ્રભક્તિની ચેતના સમાજમાં વધુ પ્રબળ બને તે હેતુથી વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સૌરાષ્ટ્ર પ્રાંતના કુટુંબ પ્રબોધન ગતિવિધિના સંયોજક તથા મુખ્ય વક્તા શ્રી કુમનભાઈ ખૂંટે આદ્ય ગુરુ શંકરાચાર્યજીના જીવનકવન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે માત્ર 32 વર્ષની વય સુધીમાં શંકરાચાર્યજીએ હિન્દુ ધર્મના પુનરુત્થાન માટે વિશાળ કાર્ય કરીને સમાજને એકતાના સૂત્રમાં બાંધવાનો પ્રયત્ન કર્યો હતો.
તેમણે રાષ્ટ્ર નિર્માણ માટે જરૂરી “પંચ પરિવર્તન” વિષય પર વિશેષ માર્ગદર્શન આપતાં સામાજિક સમરસતા, પર્યાવરણ જાગૃતિ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય અને સ્વબોધ જેવા વિષયો પર વિસ્તૃત વિચારો રજૂ કર્યા હતા. સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષની યાત્રા દરમિયાન ચાલતા વિવિધ સેવા કાર્યો, સામાજિક પ્રકલ્પો અને રાષ્ટ્રહિતના પ્રયાસોની માહિતી પણ આપી હતી.
શ્રી કુમનભાઈ ખૂંટે ઉપસ્થિત સાહિત્યકારોને આહ્વાન કર્યું હતું કે રાષ્ટ્રની ઉન્નતિ અને વિકાસ માટે “પંચ પરિવર્તન”ના વિચારોને સમાજ સુધી પહોંચાડવામાં સાહિત્યજગત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે અને રાષ્ટ્રસેવામાં સહભાગી બને.
કાર્યક્રમ દરમિયાન શ્રી અમુદાનભાઈ ગઢવી સહિત ઉપસ્થિત સાહિત્યકારો અને કલાકારોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રકાર્યમાં સમાજના દરેક વ્યક્તિનું યોગદાન મહત્વપૂર્ણ છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અનેક પડકારો વચ્ચે પણ સતત રાષ્ટ્ર ઉત્થાન માટે કાર્ય કર્યું છે.
આ તકે વિભાગ પ્રચાર પ્રમુખ ડૉ. પ્રણવભાઈ ત્રિવેદી તથા જિલ્લા કાર્યવાહ મિતુલભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. અંતે ડૉ. સંજય કોરિયાએ આભાર દર્શન કર્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે આયામ સંયોજક સંજયભાઈ કોરિયા, જિલ્લા સંયોજક હિરેનભાઈ દાવડા, સહ સંયોજક નિકુંજભાઈ રાવલ તથા પ્રચાર વિભાગના કાર્યકરોએ વિશેષ જહેમત ઉઠાવી હતી.
ઉપસ્થિતિ
જૂનાગઢ નગર : ભાઈઓ – 15, બહેનો – 5
જૂનાગઢ જિલ્લા : ભાઈઓ – 2, બહેનો – 1
કાર્યકર્તાઓ : 8