વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   
અંજારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સૌરાષ્ટ્ર  પ્રાંતનો સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ
Education

અંજારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સૌરાષ્ટ્ર પ્રાંતનો સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ

સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાંથી આવેલા ૨૮૮ સ્વયંસેવકો ૧૫ દિવસ સુધી પ્રશિક્ષણ મેળવશે...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘ શિક્ષા વર્ગ ( સામાન્ય) નો ૧૬મી મેથી અંજાર ખાતે પ્રારંભ થયો છે. જે ૦૧લી જુન સુધી ચાલશે. આ વર્ગમાં સૌરાષ્ટ્ર પ્રાંત એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી ૧૫ વર્ષથી ૪૦ વર્ષની આયુના ૨૮૮ સ્વયંસેવકો પ્રશિક્ષણ મેળવશે. વર્ગમાં ૩૫ શિક્ષકો પ્રશિક્ષણ અને ૬૫ પ્રબંધકો વર્ગની તમામ વ્યવસ્થાઓ સંભાળશે.
અંજારમાં આહીર બોર્ડીંગ ખાતે તા .૧૭મી મેના રોજ રામકૃષ્ણ મઠ આદિપુરના અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી મંત્રેશાનંદજી, પશ્ચિમ ક્ષેત્રના માનનીય સંઘચાલક શ્રી ડૉ. જેન્તીભાઈ ભાડેશીયા, પ્રશિક્ષણ વર્ગના સર્વાધિકારી શ્રી ભરતભાઈ દરજી, વર્ગ કાર્યવાહ શ્રી દીપકભાઈ ગમઢા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ઔપચારિક રીતે વર્ગનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રાંત કાર્યવાહ શ્રી મહેશભાઈ ઓઝા અને પ્રાંત પ્રચારક શ્રી મહેશભાઈ જીવાણી ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે રામકૃષ્ણ મઠ આદિપુરના અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી મંત્રેશાનંદજીએ ઉપસ્થિત શિક્ષાર્થીઓને આશીર્વચન આપતા આપણી દિવ્યતા રોજીંદા દૈનિક કાર્ય માં પ્રગટીકરણ કરવાના સ્વામી વિવેકાનંદ ના કાર્યને આત્મસાત કરવા જણાવ્યું હતું તેમજ આપણે આપણી ધાર્મિકતા, દેશભક્તિ સાથે આપણી સંસ્કૃતિને જાળવી રાખવા નિર્ભીક બની કાર્ય કરવાનું આહ્વાન કર્યું હતું.
વર્ગ કાર્યવાહ શ્રી દીપકભાઈ ગમઢાએ સંઘ શિક્ષા વર્ગ ની પ્રશિક્ષણ યોજના સમજાવતા કહ્યું કે,વ્યક્તિ નિર્માણ, કૌશલ્ય પ્રાપ્તિ અને મુલ્યો આધારિત સંસ્કાર ઘડતર પ્રાપ્ત કરી કાર્યકર્તા તરીકે રાષ્ટ્રભક્તિનું જીવનમાં પ્રગટીકરણ કરીએ.
અંજાર ખાતેના પ્રશિક્ષણ વર્ગમાં વિવિધ શારીરિક કાર્યક્રમો જેવા કે દંડ, નિયુદ્ધ, યોગાસન, યષ્ટિ, રમતો વગેરે નું પ્રશિક્ષણ તેમજ ચર્ચા, વકતૃત્વ કળા સાથે આપત્તિ વ્યવસ્થાપન બાળ સંસ્કાર કેન્દ્ર, અભ્યાસિકા જેવા સેવા કાર્યો અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં સમાજ જાગરણના વિવિધ વિષયો જેવા કે, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, ગૌ સેવા, નાગરિક કર્તવ્ય, ગ્રામ વિકાસ સેવા, સંપર્ક, પ્રચાર, વગેરે વિષયોનું પ્રશિક્ષણ આપવામાં આવશે.
નોંધનીય છે, મે માસમાં સંઘના પ્રશિક્ષણ વર્ગો દેશભરમાં ચાલે છે. જેમાં સ્વયંસેવકો દેશ સમાજને વધુને વધુ જાણવા જોડાય છે. આ સ્વયંસેવકો ધંધા-વ્યવસાય, નોકરી વગેરમાંથી રજા લઈને ૧૫ થી ૨૫ દિવસ સુધી વર્ગમાં જોડાય છે. આ દરમિયાન તેઓ પરિવારથી દૂર પૂર્ણ સમય વર્ગમાં રહે છે, જ્યાં આજના આધુનિક યુગમાં પણ મોબાઈલ વગર, સવારે ૪.૩૦ વાગ્યે જાગરણથી લઈને રાતે ૧૦.૧૫ સુધી દીપ નિમિલન સુધીના વિવિધ શારીરિક કાર્યક્રમો, બૌદ્ધિક, ચર્ચાસત્ર, સંવાદ, સામુહિક પ્રશિક્ષણ વર્ગમાં તેઓ અનુશાસનબદ્ધ રીતે જોડાય છે. વર્ગમાં વંદેમાતરમના ૧૫૦ વર્ષ પર વિશેષ પ્રદર્શની લગાવવામાં આવી છે.
અંજાર નગરના સંઘપ્રેમી નાગરિકો દ્વારા બપોરના ભોજન માટે માધુકરી યોજના થકી રોટલી અને સાંજના ભોજન માટે ભાખરીની વ્યવસ્થા કરવામાં આવી છે.૩૧ મેના રોજ વર્ગનો જાહેર સમારોપ કાર્યક્રમ રહેવાનો છે જેમાં કચ્છ સૌરાષ્ટ્રના લોકોને સપરિવાર પધારવા માટે નિમંત્રણ પાઠવેલ છે.

Leave a Comment